તમારા પ્રશ્નોના જવાબ મેળવો
તમારા ઘરમાં બેઠક રૂમનો ઉપયોગ સૌથી વધુ થાય છે, તે પછી બાળકો સાથે રાત્રે ગેમ રમવા માટે હોય કે પછી તમારા જીવનસાથી સાથે સોફા પર બેસીને કૉફીની ચૂસકી લેવાની વાત હોય કે પછી દર પંદર દિવસે તમારા મિત્રોને મોજ માણવા માટે આમંત્રિત કરવાના હોય. બેઠક રૂમને અદભૂત ઇન્ટીરિયર ડીઝાઇન વડે સજાવવાની સાથે-સાથે તેના માટેના કેટલાક વાસ્તુના સૂચનોનું પાલન કરવું પણ એટલું જ મહત્વનું છે, જેથી કરીને આ જગ્યાને શુભ, પોઝિટિવ અને નકારાત્મક ઊર્જાઓથી મુક્ત રાખી શકાય.
આ લેખમાં બેઠક રૂમ માટે આપવામાં આવેલા વાસ્તુના સૂચનો તમને તમારા પ્રત્યેક પરિવારજન માટે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા આપવાની ખાતરી કરનારી વાસ્તુને અનુરૂપ જગ્યાનું આયોજન અને રચના કરવામાં માર્ગદર્શન આપશે.
કોઇપણ વ્યક્તિ જ્યારે તમારા પરિસરમાં પ્રવેશે છે, ત્યારે તે દરવાજામાંથી ઘરમાં આવે ત્યારે તે સૌથી પહેલા બેઠક રૂમમાં આવે છે. આથી તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારને યોગ્ય દિશામાં રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમ કે, પૂર્વ, ઉત્તર કે ઉત્તર-પૂર્વ (ઇશાન)માં, અને વળી આ જગ્યામાં યોગ્ય હવાઉજાસ પણ આવતો હોય તે જરૂરી છે. આ જગ્યાને ઘણીવાર ગેટ-ટુ-ગેધર માટે ઉપયોગમાં લેવાતી હોય છે, આથી જો તમારે ઘરે મહેમાનોની અવરજવર વધારે રહેતી હોય તો, વાસ્તુ મુજબ તમારા હૉલની દિશા તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) બાજુએ હોવી જોઇએ.
બેઠક રૂમ એ તમારા ઘરનું પ્રવેશદ્વાર છે અને તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં આવેલો હોવો જોઇએ. બેઠક રૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ, પૂર્વાભિમુખ અને ઉત્તરાભિમુખ ઘરો માટે આ જગ્યા ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણામાં આવેલી હોવી જોઇએ. દક્ષિણાભિમુખ ઘરોમાં વાસ્તુ મુજબ બેઠકરૂમ ઘરની દક્ષિણ-પૂર્વ બાજુએ હોવો જોઇએ. બેઠક રૂમને નિશ્ચિત દિશામાં ગોઠવવાથી તમને અપાર આરોગ્ય, સંપત્તિ અને સફળતા પ્રાપ્ત થાય છે. તો જો તમે અઢળક સંપત્તિને પામવા માંગતા હો તો, બેઠક રૂમ માટેના આ વાસ્તુના સૂચનોનું પાલન કરો.
વાસ્તુના નિષ્ણાતો મુજબ, બેઠક રૂમમાં પૂર્વ કે ઉત્તર તરફ ઢોળાવ રહે તે પ્રકારનું ફ્લોરિંગ બનાવવું શુભ માનવામાં આવે છે. પૂર્વની ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશા બેઠક રૂમમાં ઢોળાવવાળુ ફ્લોરિંગ બનાવવા માટેની સૌથી અનુકૂળ દિશા માનવામાં આવે છે.
બેઠક રૂમમાં જો ઢોળાવવાળુ ફ્લોરિંગ હોય તો તે બાળકો માટે સારો ગણાય છે, જે તેમને અભ્યાસમાં સફળતા અને એકાગ્રતા આપે છે. શિક્ષણવિદો માટે પશ્ચિમાભિમુખ પ્રવેશદ્વાર લાભદાયી હોવાનું માનવામાં આવે છે.
તમારા બેઠક રૂમમાં રહેલી અન્ય કોઈ ચીજની જેમ જ ટીવીને જો યોગ્ય દિશામાં ગોઠવવામાં આવે તો તે પણ તમારા ઘરના કંપનોને પ્રભાવિત કરે છે. વાસ્તુ મુજબ બેઠક રૂમમાં ટીવીને ઘરના દક્ષિણ-પૂર્વ (અગ્નિ) ખૂણામાં મૂકવું જોઇએ. જો ટીવીને તમારા ઘરના ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણામાં મૂકવામાં આવ્યું હોય તો તમારા પરિવારના સભ્યો તેમના મૂલ્યવાન સમયને ટીવી જોવામાં વેડફે તેવી પૂરેપૂરી શક્યતા છે.
બેઠક રૂમમાં ઇન્ટીરિયરનું વાસ્તુ ઘરમાં રહેનારી વ્યક્તિઓના આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ પર નોંધપાત્ર પ્રભાવ પાડે છે. બેઠક રૂમમાં કૉઝી સોફા સેટ જેવું રાચરચિલું ગોઠવાથી તમારું ઘર સુંદર તો દેખાશે પરંતુ સોફા સેટ માટેના વાસ્તુ મુજબ આ ફર્નિચરોની ગોઠવણ અંગે પણ વિચારવું જોઇએ. સોફા સેટને પૂર્વ અથવા ઉત્તર તરફની દિવાલની સામેની બાજુએ મૂકવાની ભલામણ કરવામાં આવે છે, કારણ કે, તે પૂર્વ દિશા તરફથી આવતો સૂર્યપ્રકાશ સીધો તેના પર પડે છે.
ઉત્કૃષ્ટ પેઇન્ટિંગ્સ અને પોર્ટ્રેટ્સ તમારા બેઠક રૂમની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને તેને બેઠકરૂમના ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણામાં મૂકવા જોઇએ. કલાના આ નમૂનાઓ હકારાત્મકતા, સુખ અને શાંતિની લાગણીઓ ઉત્પન્ન કરતાં હોવા જોઇએ. ઉદાસીનતા, ગમગીની અને નકારાત્મકતા ઉત્પ્રેરિત કરતાં હોય તેવા પેઇન્ટિંગ્સ કે પોર્ટ્રેટ્સને લગાવવાનું ટાળો.
વાસ્તુ મુજબ ઝુમ્મર જેવા શૉપીસને બેઠક રૂમની પશ્ચિમ અથવા દક્ષિણ બાજુએ લટકાવવા જોઇએ. તેનાથી આ જગ્યાની હકારાત્મકતા અને સુંદરતા પર નોંધપાત્ર પ્રભાવ પડી શકે છે.
બેઠક રૂમનો રંગ તમારા ઘરમાં પ્રવેશતી હકારાત્મક ઊર્જાને આકર્ષે છે. બેઠક રૂમના ઇન્ટીરિયર માટેના વાસ્તુ મુજબ, બેઠક રૂમને આછા રંગોથી રંગવો જોઇએ, જેમ કે, સફેદ, આછો રાખોડી-કથ્થઈ, ક્રીમ, પીળો કે વાદળી. આ રંગો આ જગ્યામાં હકારાત્મકતા, ખુશી અને સંતુષ્ટીને વધારી શકે છે.
ઘરનું સુશોભન કરવાની કેટલીક ચીજો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા લાવી શકે છે. આથી, તમારા બેઠક રૂમમાંથી આવી ચીજોને હટાવી લેવી જોઇએ. ઘરને વાસ્તુને અનુરૂપ બનાવવા માટે તમારે આ ચીજોથી છુટકારો મેળવી લેવો જોઇએ :
1. તૂટેલા કે કામ નહીં કરી રહેલા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને એપ્લાયેન્સિસ.
2. નકારાત્મકતા દર્શાવનારા પેઇન્ટિંગ્સ અને પોર્ટ્રેટ્સ, જેમ કે, યુદ્ધ, રડી રહેલું બાળક કે ડુબી રહેલું જહાજ.
3. તૂટી ગયેલા કે તિરાડ ધરાવતા અરીસા, ફ્રેમ અને શૉપીસ.
વાસ્તુ મુજબ ટેલિફોન મૂકવાની જગ્યા બેઠક રૂમની પૂર્વ, ઉત્તર અથવા દક્ષિણ-પૂર્વ (અગ્નિ) બાજુએ હોવી જોઇએ. ટેલિફોનને તમારા બેઠક રૂમની દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) અથવા ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) બાજુએ મૂકવાનું ટાળો.
વાસ્તુ મુજબ બેઠક રૂમમાં ભગવાનના ફોટા ઉત્તર-પૂર્વ (ઇશાન) બાજુએ આવેલા પૂજાના વિસ્તારમાં ગોઠવવા જોઇએ. આ દિશાને શુભ માનવામાં આવે છે અને તે સમૃદ્ધિ લાવે છે.
બેઠક રૂમ માટેના વાસ્તુના સૂચનો મુજબ, બેઠક રૂમમાં સીડી માટેની ઉત્તમ જગ્યા પશ્ચિમ, દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ (નેઋત્ય) ખૂણો છે, જ્યાંથી મહત્તમ લાભ મેળવી શકાય છે.
બેઠક રૂમના ઉત્તર-પૂર્વ (ઇશાન) ખૂણામાં છોડ મૂકીને આ જગ્યામાં પ્રકૃતિના સૌંદર્યને પણ ઉમેરી શકાય છે. તેનાથી તમારા બેઠક રૂમમાં હકારાત્મક કંપનો પેદા થાય છે.
તમારા બેઠક રૂમના તાપમાનમાં સંતુલન જાળવવા માટે વાસ્તુ મુજબ એર કન્ડિશનરને તમારા બેઠક રૂમની ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય), પૂર્વ કે પશ્ચિમ બાજુએ ગોઠવવાનું સૂચવવામાં આવ્યું છે.
તમારા બેઠક રૂમની રચના વાસ્તુને અનુરૂપ કરો અને આરોગ્ય, સુખ, સમૃદ્ધિ અને સંતોષને પામો. તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તમારા મહેમાનોને હકારાત્મક વાતાવરણમાં આવકારવા બાળકો અને મહેમાનોના રૂમ માટેના વાસ્તુશાસ્ત્ર પરનો આ લેખ વાંચો.